4000 કરોડની 'રામાયણ'માં મેકર્સે ફ્રી માર્કેટિંગનું તિકડમ ચલાવ્યું?:નેગેટિવ PR માટે જાણી જોઈને ખરાબ VFX વાળું ટીઝર રિલીઝ કર્યું- દાવો; 11 સેકન્ડની ક્લિપ લીક
બોલિવૂડમાં બનેલી સૌથી મોટી ફિલ્મ તરીકે પ્રખ્યાત ‘રામાયણ’ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ ફિલ્મનું એક ટીઝર લીક થયું હતું, જેમાં ખરાબ વિઝ્યુઅલ્સ અને VFXનો ખુલાસો થયો હતો; જોકે, પછીથી એવું બહાર આવ્યું કે આ વીડિયો નકલી હતો અને AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું.
શું નેગેટિવ PR અને ફ્રી માર્કેટિંગ માટે આવું ટીઝર રિલીઝ કર્યું?
તાજેતરમાં ફિલ્મ ‘રામાયણ’ના મેકર્સે સેટ પર સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક ખાસ ‘ક્રિએટર્સ ડે’નું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં હાજર રહેલા જાણીતા સિનેમા કન્ટેન્ટ ક્રિએટર ધ્રુવ પરીક્ષિતે સોશિયલ મીડિયા પર એક એવો દાવો કર્યો જેણે બધાને ચોંકાવી દીધા.
ધ્રુવે ઇન્સ્ટાગ્રામ કોમેન્ટમાં ખુલાસો કર્યો કે જ્યારે ફિલ્મમાં રણબીર કપૂરની ભગવાન રામ તરીકેની પહેલી ઝલક (ટીઝર) આવી, ત્યારે સોશિયલ મીડિયા પર તેના નબળા VFX અને CGI માટે ઘણી ટીકાઓ થઈ હતી. પરંતુ ધ્રુવના મતે, સેટ પર તેની મુલાકાત ફિલ્મના VFX આર્ટિસ્ટ સાથે થઈ હતી. તે આર્ટિસ્ટે જણાવ્યું કે:
"મેકર્સે જાણીજોઈને ભગવાન રામની ઝલકનું એક નબળું વર્ઝન અપલોડ કર્યું હતું. તેમની પાસે એ દ્રશ્યોના ઘણા સારા વર્ઝન તૈયાર હતા, છતાં અધૂરું ફૂટેજ રિલીઝ કર્યું. કારણ? જેથી ઇન્ટરનેટ પર લોકો ટીકા અને ચર્ચા કરે, જે વાસ્તવમાં ફિલ્મને ફ્રી માર્કેટિંગ અને પબ્લિસિટી અપાવે."
જોકે, આ કોમેન્ટ વાઇરલ થતાં અને વિવાદ વકરતાં ધ્રુવે તરત જ પોતાની એ કોમેન્ટ ડીલીટ કરી દીધી હતી અને નવી કોમેન્ટમાં સ્પષ્ટતા કરી કે, "VFX પર હજી કામ ચાલી રહ્યું છે અને ઘણું અદ્ભુત કામ થયું છે. ફિલ્મનું વિઝ્યુઅલ લેવલ ‘અવતાર’ જેવું ભવ્ય છે." પરંતુ, ત્યાં સુધીમાં તેના જૂના દાવાના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ચૂક્યા હતા.
ફિલ્મની 11 સેકન્ડની ક્લિપ લીક
આ વિવાદની વચ્ચે જ ઇન્ટરનેટ પર એક 11 સેકન્ડનો કથિત વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં સિનેમાકોન ઇવેન્ટમાં બતાવાયેલા ટ્રેલરનો આ એક હિસ્સો છે જે ઓનલાઇન લીક થઈ ગયો છે. આ વીડિયોમાં રણબીર કપૂર પ્રભુ શ્રીરામના અવતારમાં ધનુષ-બાણ ચડાવીને સામે ઉભેલા એક વિશાળકાય દાનવ પર તીર ચલાવે છે અને પછી, મોટો બ્લાસ્ટ થાય છે.
ગૉડઝિલા જેવો રાક્ષસ
નેટિઝન્સનું ધ્યાન રણબીર કરતાં એ રાક્ષસ પર વધુ ગયું, જેને જોઈને લોકોએ ટ્રોલિંગ શરૂ કરી દીધું. ઘણા યુઝર્સે તેને 'ગૉડઝિલા' જેવો ગણાવ્યો તો એક યુઝરે ગુસ્સામાં લખ્યું, "રામાયણમાં આવો રાક્ષસ ક્યાં હતો?" જ્યારે અન્ય એક યુઝરે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું, “આમાંથી તો પેલા ફ્લોપ થયેલી ‘આદિપુરુષ’ (Adipurush) જેવી વાઇબ્સ આવી રહી છે.” જોકે, કેટલાક એક્સપર્ટ્સ અને ફેન્સનું માનવું છે કે આ લીક થયેલો વીડિયો અસલી નથી પરંતુ કોઈ ફેને AIની મદદથી બનાવેલો ફેક વીડિયો છે. મેકર્સ તરફથી પણ આ લીક અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ફિલ્મ રામાયણ બે ભાગમાં રિલીઝ થશે
નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી 'રામાયણ' ભારતીય સિનેમાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંથી એક છે. નમિત મલ્હોત્રાના પ્રોડક્શનમાં બની રહેલી આ મેગા બજેટ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 પર સિનેમાઘરોમાં આવશે, જ્યારે તેનો બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ કરવાની તૈયારી છે. આ ફિલ્મનું સંગીત ઓસ્કર વિજેતા સંગીતકાર એઆર રહેમાન અને હંસ ઝિમર તૈયાર કરી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મનું પહેલું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.
ફિલ્મની સ્ટારકાસ્ટ અને રણબીરનો ડબલ રોલ
આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મમાં સાઉથ સ્ટાર સાઈ પલ્લવી માતા સીતાનો રોલ નિભાવી રહી છે, જ્યારે KGF સ્ટાર યશ રાવણના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે. રણબીર કપૂર આ ફિલ્મમાં ભગવાન રામની સાથે ભગવાન પરશુરામનો રોલ પણ ભજવતો જોવા મળશે. રણબીરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને ભગવાન વિષ્ણુના બે અલગ-અલગ અવતારો ભજવવાની તક મળી, જે તેના માટે એક શાનદાર અનુભવ છે.