જાફરાબાદ બંદરે 700થી વધુ બોટ લાંગરી, ડ્રોન વીડિયો:અમરેલીમાં રેડ એલર્ટ, 3 નંબર સિગ્નલ બાદ દરિયામાં હાઇટાઈટની સ્થિતિ; પવનની સ્પીડ વધતાં વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં આગામી 24 કલાક માટે ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આ ચેતવણીને પગલે અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને 700થી વધુ બોટોને સુરક્ષિત રીતે કિનારે લાંગરી દેવામાં આવી છે.
જાફરાબાદના દરિયામાં જોરદાર કરંટ અને ઊંચા મોજા
સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત સાથે જ દરિયામાં પવનની ગતિ વધી છે. જાફરાબાદના દરિયામાં જોરદાર કરંટ અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ બોટોને બંદર પર લાવવામાં આવી છે, જેથી સંભવિત વાવાઝોડા કે દરિયાઈ તોફાનથી કોઈ મોટું નુકસાન ન થાય.
દરિયાની વર્તમાન સ્થિતિને કારણે વહીવટી તંત્ર વધુ સતર્ક
સરકાર દ્વારા હાલમાં મોન્સૂન ફિશિંગ પર પ્રતિબંધ હોવા છતાં, દરિયાની વર્તમાન રફ સ્થિતિને કારણે વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે. તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને કિનારે રહેલા સ્થાનિક લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને પોર્ટ ઓફિસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
300 બોટને ક્રેનથી ઉપર ચડાવવામાં આવી
બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, હાલમાં માછીમારી પર પ્રતિબંધ હોવાથી 700 બોટો બંદરની અંદર લાંગરેલી છે. તેમાંથી 300 બોટોને ક્રેનથી ઉપર ચડાવવામાં આવી છે, જ્યારે બાકીની જેટી પર તરતી રાખવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, વરસાદ ભલે ઓછો હોય, પરંતુ દરિયામાં અત્યારે ખૂબ જ મોટો કરંટ ચાલી રહ્યો છે.
દરિયા કિનારે વસતા લોકોને સાવચેત રહેવા અપીલ
સોલંકીએ વધુમાં જણાવ્યું કે, દરિયો ખૂબ જ રફ હોવાથી અંદર જવું શક્ય નથી અને માછીમારોને જવા પર પ્રતિબંધ પણ છે. બંદર ખાતા અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા બોટોને વ્યવસ્થિત રીતે લાંગરવા અને બાંધવા માટે સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ છે. અચાનક કરંટ વધે તો બોટોને નુકસાન થવાની શક્યતા હોવાથી માછીમારો અને દરિયા કિનારે વસતા લોકોને પણ સાવચેત રહેવા જણાવાયું છે.