વડોદરાની ઢાઢર નદીમાં 11 મગરનું ઝૂંડ દેખાયું, VIDEO:ચોમાસાની શરૂઆત થતા જ નદી કાંઠાના રહેણાંક વિસ્તારોમાં મગરો ઘૂસ્યા, લોકો અને પશુપાલકોમાં ફફડાટ વડોદરા2 કલાક પેહલા
ચોમાસાની શરૂઆત થતા જ વડોદરામાં નદી કાંઠા વિસ્તારમાં મગરોએ દેખા દેવાની શરૂઆત કરી દીધી છે. શહેરના તાંદલજા અને વાસણા-ભાયલી રોડ પર 2 મગર જોવા મળ્યા હતા. જ્યારે ઢાઢર નદીમાં એક સાથે 11 જેટલા મગરનું ઝુંડ જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. નદી કાંઠા વિસ્તારમાં મગરો દેખાતા લોકો અને પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ઢાઢર નદીના પાણીમાં મગરોનું ઝુંડ દેખાયુ વડોદરા જિલ્લાના પાદરા-કરજણ રોડ પર આવેલા કોઠવાડા ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીના પાણીમાં એકસાથે અનેક મગરોનું ઝુંડ તરતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં નદીના વહેણમાં નાના-મોટા અસંખ્ય મગરો એકસાથે જોવા મળી રહ્યા છે, જેને કેમેરામાં કેદ કરવા માટે પુલ પરથી પસાર થતા વટેમાર્ગુઓ અને સ્થાનિકોના ટોળાં ઉમટ્યા હતા.
ઢાઢર નદીમાં મગરોની આટલી મોટી સંખ્યાને પગલે આસપાસના ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને નદી કાંઠે જતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકોને નદીના પાણીથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
વાસણા-ભાયલી રોડના બંગલોઝમાં 9 ફૂટનો મગર ઘૂસ્યો વડોદરા શહેરના પોશ ગણાતા વાસણા-ભાયલી રોડ પર આવેલ 'ગેલેક્સી બંગલોઝ' ખાતે ગઈકાલે રાત્રે એક મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. અંદાજે 9 ફૂટ લાંબો મગર સોસાયટીના આંતરિક રોડ પર આરામથી નાઇટ 'વોક' કરતો જોવા મળ્યો હતો. જેને પગલે રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બંગલાની બહાર મગરને જોઈને લોકોમાં ભારે નાસભાગ અને ફફડાટ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે જીવદયા સંસ્થા 'ગૌ રક્ષા સેવા સમિતિ' અને વન વિભાગને આ અંગે જાણ કરી હતી. વન વિભાગ અને સંસ્થાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આ 9 ફૂટના મહાકાય મગરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી તેને પાંજરે પૂર્યો હતો, જેથી રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
તાંદલજામાં મગરની હાજરીથી લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો બીજી તરફ, વડોદરા શહેરના તાંદલજા ગામના બસ સ્ટેન્ડ નજીક રહેણાંક વિસ્તારની એકદમ મધ્યમાં આવેલા તળાવમાં પણ એક વિશાળકાય મગર દેખાતા લોકો ફફડી ઉઠ્યા છે. આ તળાવની આસપાસ મોટી સંખ્યામાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ અને રહેણાંક મકાનો આવેલા છે, જ્યાં નાનાં બાળકો પણ રમતાં હોય છે. ચોમાસામાં પાણીનું સ્તર વધતાં મગર સીધો સોસાયટીઓમાં ઘૂસી જવાની દહેશત છે. હાલ પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે તાંદલજાના સ્થાનિકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે અને અહીં રાત્રિ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે વડોદરામાં વિશ્વામિત્રી નદી અને આસપાસના કોતરોમાં મગરોનો વસવાટ સામાન્ય છે, પરંતુ હવે આ મગરો માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા હોવાથી કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે. તાંદલજાના રહીશોએ પણ વન વિભાગને તાકીદે તળાવ કિનારે પાંજરું ગોઠવીને આ મગરને રેસ્ક્યૂ કરવા અને કોઈ સુરક્ષિત કુદરતી આવાસમાં ખસેડવા ઉગ્ર માંગ કરી છે.
બરોડા સ્ટેટના સમયથી વડોદરાની વિશ્વામિત્રીમાં મગરની હાજરી બરોડા સ્ટેટના 1881ના ગેઝેટિયરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોની હાજરીની નોંધ છે, પરંતુ વિશ્વામિત્રીમાં ત્યારે મગર ન હતા. આજથી 50 વર્ષ પહેલાં એમ.એસ. યુનિવર્સિટીના સંશોધક ડો.ગુણવંત ઓઝાએ આજવા સરોવરની આસપાસ 50 મગરોની હાજરી નોંધી હતી.
શહેરમાં આ સરિસૃપની પહેલવહેલી ગણતરી 1992માં ડો.રાજુ વ્યાસે કરી ત્યારે 50 જેટલા મગરોની નોંધ ઉત્તરના દુમાડ અને દક્ષિણના જાંબુઆ સુધીની વિશ્વામિત્રી નદીમાં કરી હતી. તે ગણતરી બાદ આજે 35 વર્ષ બાદ વિશ્વામિત્રીમાં મગરોની સંખ્યા 9 ગણી વધી છે. આ મગરોને લીધે વડોદરાની એક ઓળખ મગરનગરી પણ બની છે. ચોમાસામાં રસ્તાઓ પર કે કોઇ બગીચામાં મોર્નિંગ વોક કરતા હોઇએ ત્યારે મગરોએ દેખા દીધી હોવાના બનાવો બનતા રહે છે.
ગત વર્ષે 5 અને 6 ફેબ્રુઆરીએ દુમાડથી લઇને જાંબુઆ સુધીના વિસ્તારમાં મગરોની ગણતરી ગાંધીનગરના ગીર (ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ફાઉન્ડેશને હાથ ધરી હતી. જેમાં આ વિસ્તારમાં 442 મગર નોંધાયા હતા. મગરોના તજ્જ્ઞ ડો.રાજુ વ્યાસ કહે છે કે, 1992માં સાબરમતી, સૌરાષ્ટ્રની હીરણ અને પોરબંદરમાં પણ મગરોની હાજરી નોંધાઇ હતી.
જોકે વિશ્વામિત્રીનો જે ભાગ શહેરમાંથી વહે છે ત્યાં મગરને જરૂરી ખોરાક, રહેઠાણ અને અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે, જેને લીધે માત્ર શહેરમાં જ મગરોની સંખ્યા વધી છે. જોકે, મગરે કોઇ વ્યક્તિ પર હુમલો કર્યો હોય તેવો એકેય કિસ્સો બન્યો નથી.
મગર શિડ્યૂલ-1નું સંરક્ષિત પ્રાણી મગર શિડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ એના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે, તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.
નદીકિનારે શું સાવચેતી રાખવી?
- નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં
- કપડાં-વાસણ ધોતાં નજર પાણી સામે રાખવી
- નદી તરફ પીઠ રાખીને કપડાં-વાસણ ન ધોવાં
- નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું
- ઢોરને પાણી પિવડાવવા 1 ફૂટથી આગળ ન જવું
- વન વિભાગનો સંપર્ક કરી સાવચેતીનાં બોર્ડ મૂકવાં