અંબિકા નદી ગાંડીતૂર:વલસાડના મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા, નવસારી-વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડી શકે
ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધામાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.26 ઈંચ અને નાનાપોંઢામાં 1.14 ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેલ માર્ક લો પ્રેશર, 2 ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની અગાહી કરવામાં આવી છે.
જ્યારે નવસારી, વલસાડ, ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત તાપી નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર ,અરવલ્લી સાબરકાંઠા ભવનગર, અમરેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની અગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. રાજ્યમાં અત્યાર સુધીનો 6 ટકા ઓછો વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 18 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા અત્યાર સુધીમાં 5 ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
અંબિકા નદી ગાંડીતૂર વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે ડેમના 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલીને તબક્કાવાર 1,24,764 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડ્યું છે. ડેમની જળસપાટી 73.40 મીટર પર પહોંચી છે.પૂર્ણા બાદ હવે નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતુર બની છે. ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે.
6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઈંચ, નવસારીમાં 15 ઈંચ, સુરત શહેરમાં 14 ઈંચ, કપરાડામાં 13 ઈંચ અને જલાલપોરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.
કટોકટીને પહોંચી વળવા NDRF, SDRFની 36 ટીમ તૈનાત જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT (આશરે 65 ટકા) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે.
નવસારી પર પૂર પ્રકોપ, પાણીમાં ગરકાવ નવસારી શહેરમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉપરવાસ અને શહેરમાં પડેલા વરસાદને કારણે નવસારી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણીમાં ગરકાવ નવસારીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે.
આ ડ્રોન દ્રશ્યોમાં આખું નવસારી શહેર એક વિશાળ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, મુખ્ય માર્ગો, સોસાયટીઓ, અને વ્યાપારી સંકુલો પાણીની અડફેટમાં આવી ગયા છે. રસ્તાઓ જાણે નદીઓ બની વહી રહ્યા છે અને વાહનો હોડીઓની જેમ પાણીમાં તરી રહ્યા છે. સતત વધી રહેલા પાણીના સ્તરે સમગ્ર તંત્ર અને સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.