Loading...

મોદી ઈન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન ગયા:મોદીએ કહ્યું- હંમેશા ભગવાન શિવ સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું , 1000 વર્ષ જૂનું મંદિર; વિમાનમાંથી મંદિરનો નજારો બતાવ્યો

પીએમ મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. પીએમ આજે ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન ગયા હતા. આ મંદિર એક હજાર વર્ષ જૂનું છે. વડાપ્રધાને મંદિરના જીર્ણોદ્ધાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનનમાં તેમણે આરતી કરી અને આશીર્વાદ લીધા હતા. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો પણ વડાપ્રધાન સાથે પ્રમ્બાનન મંદિર હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રાષ્ટ્રપતિ સુબિયાંતો સાથેની તસવીર શેર કરી હતી. વડાપ્રધાન આજે સાંજે ઈન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયાના મેલબર્ન જવા રવાના થશે. તેમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 8 થી 10 જુલાઈ સુધીનો છે. તેમણે મંદિરનો એક વીડિયો પણ શેર કર્યો જેમાં આકાશમાંથી મંદિરનો નજારો દેખાય છે.

પીએમએ મંગળવારે ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ડિફેન્સ ડીલની જાહેરાત કરી હતી. બંને દેશો વચ્ચે પહેલીવાર લગભગ સાડા પાંચ હજાર કરોડ રૂપિયાનો મહત્વનો રક્ષા કરાર થયો છે. ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલો ખરીદશે. ભારત મલક્કાની ખાડીમાં મહત્વપૂર્ણ સાબાંગ પોર્ટનો વિકાસ કરશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણે જવામાં આવે, ત્યાં ભારતના સાંસ્કૃતિક વારસાની ઝલક ચોક્કસપણે જોવા મળે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે પ્રમ્બાનન એ દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતીય વારસાનું બીજું સૌથી મોટું પ્રતીક છે. અહીં ભગવાન શિવ, દેવી દુર્ગા અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત છે અને તે સદીઓથી પૂજા-અર્ચનાનું સ્થળ રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પ્રબોવોએ તેમને 2029 સુધીમાં મંદિરના જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ કરવાનું વચન આપ્યું છે, અને બદલામાં મેં પણ વચન આપ્યું છે કે જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થયા બાદ ઉજવણી કરવા માટે ફરીથી ઇન્ડોનેશિયા આવીશ. મોદીએ આ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા બદલ ઇન્ડોનેશિયાની જનતા અને નેતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

પ્રમ્બનન મંદિરમાં મોદીએ કહ્યું: ભગવાન શિવ સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું

વડાપ્રધાને પ્રમ્બનન મંદિરના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું- મારું સૌભાગ્ય રહ્યું છે કે મને હંમેશા કોઈને કોઈ સ્વરૂપે ભગવાન શિવ સાથે જોડાવાની તક મળી છે.

તેમણે કહ્યું- મારો જન્મ વડનગરમાં થયો હતો, જે પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરનું સ્થાન છે. ગુજરાતમાં મને સોમનાથ જ્યોતિર્લિંગના વિકાસની જવાબદારી સોંપવામાં આવી હતી. કાશી એ મારા રાજકીય કાર્યનું ક્ષેત્ર છે, જ્યાં મને હંમેશાં કાશી વિશ્વનાથના આશીર્વાદ મળ્યા છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું, મને કેદારનાથ ધામના પુનઃનિર્માણ અને ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના વિકાસ સાથે સંકળાયેલા રહેવાની તક પણ મળી હતી. હવે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે જોડાયેલા લગભગ 1000-1200 વર્ષ જૂના પ્રમ્બાનન મંદિરના જીર્ણોદ્ધાર કાર્યના આરંભ સાથે સંકળાવું એ મારા માટે અત્યંત ગૌરવની વાત છે. હું પોતાને અત્યંત ભાગ્યશાળી માનું છું.