‘બધા સાહેબોને ઉઘાડા પગે સાથે મોકલો, અમે સર્વે કરાવીએ’:સુરતમાં નેતાઓ-અધિકારીઓનું ટ્રેક્ટર રોકી લોકોએ બરોબરના ખખડાવ્યાં; કહ્યું- 40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો?
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપૂરના આજે (9 જુલાઈ) ત્રીજા દિવસે પણ સ્થિતિ અત્યંત ગંભીર છે. હજુ પણ 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકોનો પિત્તો ગયો છે. પૂરના કારણે લોકો છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરોમાં બંધક બન્યા છે, છતાં કોઈ રાજકીય નેતા કે જનપ્રતિનિધિ તેમની વહારે આવ્યા ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજે જ્યારે સ્થાનિક કોર્પોરેટરો અને મનપાના અધિકારીઓ પૂરની સ્થિતિની સમીક્ષા કરવા ટ્રેક્ટર લઈને પર્વત પાટિયા વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. રોષે ભરાયેલા સ્થાનિક રહીશો ટ્રેક્ટરની આડે આવી ગયા હતા અને અધિકારીઓ તેમજ નેતાઓને ટ્રેક્ટરમાંથી નીચે ઉતરીને પગપાળા પૂરના પાણીમાં ચાલતા-ચાલતા લોકોની સ્થિતિ જોવા મજબૂર કર્યા હતા. આ સાથે જ 40 વર્ષના ભાજપના શાસનને લઈને પણ વિધક સવાલો કર્યા હતાં.
લોકોનો આક્રોશ એ વાત પર છે કે, જ્યારે તેઓ ભૂખ્યા હતાં તે સમયે ભાજપના નેતાઓ- અધિકારીઓ કોઈ નેતા ન ડોકાયું અને પૂરની અગાઉથી જાણ ન કરી. સાથે જ વહીવટી તંત્ર દ્વારા જે બોટ મૂકવામાં આવી છે તે પણ વારંવાર બંધ પડી જાય છે અથવા ખરાબ થઈ જાય છે, જેના કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં કે તેમના સુધી જરૂરી સામગ્રી પહોંચાડવામાં તંત્ર સાવ નિષ્ફળ સાબિત થયું છે.
‘ટ્રેક્ટરમાં નહીં, પગપાળા આવીને પૂરની ગંભીર સ્થિતિ જુઓ’ પર્વત પાટિયા વિસ્તારમાં પૂરના ગંદા પાણી વચ્ચે લાચાર બનેલી જનતાએ નેતાઓ અને અધિકારીઓને ચારેય તરફથી ઘેરી લીધા હતા. જે ટ્રેક્ટરમાં બેસીને નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારમાં માત્ર ‘હવાઈ નિરીક્ષણ’ કરવાના આશયથી આવ્યા હતા, તે ટ્રેક્ટરને લોકોએ આગળ વધવા દીધું ન હતું. ટોળામાંથી લોકોએ ઊંચા અવાજે ગર્જના કરતા કહ્યું કે, "ટ્રેક્ટરમાં બેસીને ઉપરથી શું જુઓ છો? નીચે ઉતરો તો તમને ખબર પડે ને કે જનતા કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે! તમે છેલ્લા 40 વર્ષથી શું કરો છો? ખાલી અહીંયા આવીને રાજાશાહી ભોગવો છો? ટ્રેક્ટર બંધ કરો અને પાણીમાં નીચે આવો." જનતાના આ આક્રમક વિરોધના કારણે અધિકારીઓ અને કોર્પોરેટરોએ ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું અને આખરે પાણીમાં ઉતરવાની ફરજ પડી હતી.
‘શાંતિકુંજ અને ગીતાનગરમાં એક-એક માળ પાણીમાં ડૂબ્યા, નેતાઓ માત્ર ફોટા પડાવવા આવ્યા’ સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે સમગ્ર વિસ્તારની પોલ ખોલી નાખી હતી. સોસાયટીના અગ્રણીઓએ જણાવ્યું કે, શાંતિકુંજ સોસાયટી અને ગીતા નગરમાં સતત પાણી આવી રહ્યું છે. આગલી વખતે જ્યારે પાણી આવ્યું હતું ત્યારે બધા કોર્પોરેટર અહીંયા હાજર હતા, પણ આ વખતે જ્યારે સાચે જ જરૂર છે, ત્યારે કોઈ દેખાતું નથી. લોકો એટલા બધા દુઃખી છે, ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી નથી. અહીંયા એક-એક માળ પાણીમાં ડૂબી ગયા છે. મારો પોતાનો પણ પહેલો માળ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને મોટું નુકસાન થયું છે. ઘરોમાંથી બબ્બે-અઢી-અઢી લાખનો સામાન બરબાદ થઈ ગયો છે અને આ નેતાઓ અત્યારે માત્ર પોતાના ફોટા પડાવવા માટે આવી પહોંચ્યા છે!