Loading...

ટર્ન લેતી DPSની બસમાં ઘુસતા મોપેડ ચાલકનું મોત, CCTV:રોડ પર લોહીનો 4 ફૂટનો રેલો વહ્યો, AMCના બેરિકેડિંગથી બસે મોટો વળાંક લેવો પડ્યો, ડ્રાઇવર-કંડકટર બાળકોને મૂકી ફરાર

શુક્રવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ અમદાવાદના શાસ્ત્રીનગરમાં ટર્ન લઈ રહેલી ડીપીએસ સ્કૂલની બસમાં ઘુસી જતા મોપેડ ચાલક યુવકને ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડીપીએસ બસના ડ્રાઇવર અને કંડકટર બંને બસ અને બાળકોને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા.

પલ્લવ ચાર રસ્તા પાસે બપોરના સમયે બોપલ DPS સ્કૂલનો બસ ચાલક બસને વાળતો હતો અને સ્પીડમાં આવતો મોપેડ ચાલક તેમાં ઘુસી ગયો હતો. જેના કારણે બસની નીચે આવી જતા યુવકનું મોત થયું હતું. ત્યાર બાદ ત્રણ-ચાર ફૂટ લાંબો લોહીનો લિસોટો પડી ગયો હતો. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.

લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા આ અંગે જાણ થતાં ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. આ બાબતે યુવકની ઓળખ કરવામાં આવતા તેનું નામ યુવરાજ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ત્યાર બાદ તેના પરિવારજનોને જાણ કરવાની અને લાશને પીએમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

બેરિકેડિંગને કારણે બસે મોટો વળાંક લેવો પડ્યો બસ ચાલક દ્વારા બસને ડાબી તરફ વાળવામાં આવી રહી હતી ત્યારે પાછળના ભાગે એકટીવા ચાલક ફુલ સ્પીડમાં આવ્યો હતો અને વળાંક લીધો ત્યારે અથડાયો હતો. જેથી પાછળનું વ્હીલમાં યુવક આવી જતાં તેના માથા ઉપર ફરી વળ્યું હતું જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. રોડના વળાંક પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં બેરિકેડિંગ કરવામાં આવેલા હતા જે બેરીકેડિંગ કર્યા હોવાથી બસે મોટો ટર્ન લેવો પડ્યો અને પાછળથી ફૂલ સ્પીડમાં આવતો એકટીવા ચાલક અથડાયો અને અકસ્માત સર્જાયો હતો.

આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ પટેલે જણાવ્યું હતું કે, બપોરે 2.30 વાગ્યા આસપાસ શાસ્ત્રીનગર ચાર રસ્તા પહેલા સાઉથ ઢોંસાવાળી ગલી સામે DPS સ્કૂલ બસ અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. એક્ટિવા ચાલકનું નામ યુવરાજ (ઉ.વ.19- 20) હોવાનું જાણવા મળ્યું છે અને સ્થળ પર જ મૃત્યુ થયું છે. આ અંગેની કાર્યવાહી હાલ ચાલુમાં છે.

શહેરમાં સાડા ચાર વર્ષમાં ઓવરસ્પીડિંગના 3.36 લાખ કેસ ટ્રાફિક પોલીસે છેલ્લા સાડા ચાર વર્ષમાં ઓવરસ્પીડિંગના 3,36,292 કેસ કરીને રૂ.74.76 કરોડનો દંડ ફટકાર્યો છે. એસપી રિંગ રોડ, એસજી હાઈવે, યુનિવર્સિટી રોડ, આઈઆઈએમ રોડ તથા સીજી રોડ પછી હવે ઓવરસ્પીડિંગ માટે શાંતિગ્રામ-અદાણી સર્કલ રોડ, બોપલ, શેલા અને ઘુમા તરફ જતા ટીપી રોડ, સાબરમતી રિવરફ્રંટના પૂર્વ અને પશ્વિમ રોડ તથા એરપોર્ટ રોડ પર આવેલા ઈન્દિરાબ્રિજ તરફનો ખુલ્લો રોડ હોટસ્પોટ બન્યા છે. ટ્રાફિક પોલીસે 15 ઈન્ટર સેપ્ટર વાન તથા 100થી વધુ સ્પીડગનની મદદથી આ વિસ્તારોમાં ઊભા રહીને ઓવરસ્પીડમાં જતા વાહન ચાલકોને ઇચલણ આપવાની કામગીરી કરી છે.

રોડ સેફ્ટી એક્સપર્ટ પ્રિયંક ત્રિવેદીના જણાવ્યા અનુસાર ઓવરસ્પીડિંગ રોકવા માટે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને ઈમરજન્સી એવી 4 વ્યૂહરચના અમલમાં મૂકવી જોઈએ. જેમાં અકસ્માત સંભવિત વિસ્તારોમાં સ્પીડ બ્રેકર અથવા ટેકનિકલ સુધારા, કેમેરા અને ઈચલણ દ્વારા કડક દેખરેખ વધારવી, શૈક્ષણિક સંસ્થાઓમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ અભિયાન ચલાવવા, અકસ્માત બાદ ગોલ્ડન અવરમાં ત્વરિત તબીબી સહાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ઓવરસ્પીડિંગ માટે હવે આ રસ્તા પણ હોટસ્પોટ

એસ.પી. રિંગ રોડના ખાસ સેગમેન્ટ્સ: રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ભાડજ, બોપલ તરફના સ્ટ્રેચ પર રાતે વાહનોની ગતિ બેફામ હોય છે. અહીં રોડની પહોળાઈ વધુ હોવાથી ચાલકો ગતિ મર્યાદા ભૂલી જાય છે.

શાંતિગ્રામ-અદાણી સર્કલ રોડ: આ વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ ડેવલપમેન્ટ વધતા ટ્રાફિકનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ રસ્તાઓ ખુલ્લા હોવાથી યુવાનો રેસિંગ માટે આ રૂટ પસંદ કરતા હોય છે.

નવા પશ્ચિમના ટી.પી. રોડ: બોપલ, શેલા અને ઘુમા તરફ જતા ડેવલપિંગ ટી.પી. રોડ પર ટ્રાફિક સિગ્નલનું પ્રમાણ ઓછું હોવાથી ત્યાં પણ ઓવરસ્પીડિંગના કિસ્સાઓ વધ્યા છે.

એરપોર્ટ રોડ (ઈન્દિરા બ્રિજ પાસેનો ભાગ): રાત્રિના સમયે વિમાનમથક તરફ જતો રસ્તો ખૂબ જ ખુલ્લો હોવાથી અહીં વાહનોની ગતિ ખૂબ વધારે રહે છે.

સાબરમતી રિવરફ્રન્ટ રોડ: રિવરફ્રન્ટના પૂર્વ, પશ્ચિમ કિનારે રાત્રિના સમયે પ્રવાસીઓ અને યુવાનો વાહનોની ગતિ વધારી દેતા હોય છે.

ગત 6 જુલાઈના રોજ અમદાવાદના હાથીજણ રીંગ રોડ પર ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું.આ અકસ્માતમાં એક્ટિવા ચાલક માતા અને તેના ત્રણ વર્ષના બાળકને ટક્કર વાગી હતી. જેમાં માતા સામે જ પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નિકોલમાં રહેતા કામિની પ્રજાપતિ પીરાણા ખાતે આવેલી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા.સોમવારે 3.5 વર્ષના પુત્ર સાત્વિકને લઇને સ્કૂલે નોકરી પર ગયા હતા.બાદમાં બપોરે નોકરીએથી છૂટીને એક્ટિવા લઇને ઘરે જતા હતા. દીકરા સાત્વિક સાથે એસ.પી.રીંગરોડથી પસાર થતા હતા ત્યારે હાથીજણ સર્કલ પાસે બની રહેલા બ્રિજ નજીક પુરઝડપે આવેલા ડમ્પરના ચાલકે કામિનીબેનના એક્ટિવાને પાછળના ભાગે ટક્કર મારતા માતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા. કામિનીબેન અને તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેમાં પુત્ર સાત્વિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

20 જૂને પકવાન બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે યુવકને કચડ્યો SG હાઇવે પર પકવાન બ્રિજ પર 20 જૂનની મોડીરાત્રે કાળજું કંપાવી દે તેવી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. સોલા સાયન્સ સિટી રોડ પર રહેતો 32 વર્ષીય યુવક રાત્રે બાઇક લઈને બેગ લેવા નીકળ્યો હતો. યુવકે રાત્રે 2:30 વાગ્યે તેની માતાને ફોન કરીને 'હું બેગ લઈને ઘરે આવું છું' તેમ કહ્યું હતું, પરંતુ તેના બરાબર અડધા કલાક પછી એટલે કે રાત્રે 3:00 વાગ્યે પકવાન બ્રિજ પરથી તેનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. કોઈ અજાણ્યા વાહનચાલકે યુવકને અડફેટે લઈને કચડી નાખ્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

Image Gallery