'સેક્સ પાવર' વધારવાની આયુર્વેદિક દવા આપી 5000ને ફસાવ્યા:દવાની એડ ને પછી 1 લાખ સુધીની ખંડણીનો ખેલ, અમદાવાદમાં કોલ સેન્ટર ઉભું કર્યું હતું, યુવતી સહિત 7ની ધરપકડ
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આજે 10 જુલાઈએ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ચાલતા એક કોલ સેન્ટર પર દરોડો પાડીને, સેક્સ્યુઅલ પાવર વધારવાની આયુર્વેદિક દવાના નામે કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતું આંતરરાજ્ય રેકેટ ઝડપી પાડ્યું છે.
આ નેટવર્ક દ્વારા આશરે 4000થી 5000 લોકો સાથે છેતરપિંડી આચરી કરોડો પડાવવામાં આવ્યા છે. જેમાં ગ્રાહક દવા ખરીદે લે ત્યારબાદ પોલીસખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 1 લાખ સુધીની ખંડણી માગતા હતા. આ કેસમાં વસ્ત્રાલ(અમદાવાદ), ઉત્તર પ્રદેશથી મુખ્ય સૂત્રધાર અને યુવતી સહિત 7ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો આપીને ફસાવતા આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી. આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર "શક્તિવર્ધક દવા", "100 ટકા ગેરંટી", "આયુર્વેદિક સારવાર" અને "પરફોર્મન્સ વધારવાની દવા" જેવી લોભામણી જાહેરાતો આપતા હતા. જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરનાર ગ્રાહકોને કોલ સેન્ટરના કર્મચારીઓ ડોક્ટર અથવા તબીબી નિષ્ણાત બનીને દવા ખરીદવા માટે સમજાવતા હતા.
દવા ન ખરીદનારને પોલીસ અધિકારી બની ધમકાવતા જો ગ્રાહક પાર્સલ મેળવીને નાણાં ચૂકવી દે, તો આરોપીઓ તેને ફોન કરીને નકલી પોલીસ અધિકારી કે ડોક્ટર તરીકેની ઓળખ આપતા હતા અને જણાવતા હતા કે તેઓએ પ્રતિબંધિત શક્તિવર્ધક દવા ઓનલાઇન મંગાવી છે.
ત્યારબાદ ગ્રાહકના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન કે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના નામે FIR અને ધરપકડનો ડર બતાવી, કેસ રફેદફે કરવા માટે રૂ. 2000થી લઇને 1 લાખ સુધીની રકમ બળજબરીપૂર્વક પડાવતા હતા. જો કોઈ ગ્રાહક કોઈ કારણસર પાર્સલ ન સ્વીકારે, તો પણ તેને જેલની સજા અને પોલીસ કેસની ધમકી આપીને આ જ રીતે રૂપિયા વસૂલતા હતા.
દવા કુરિયરથી મોકલતા, મુખ્ય સંચાલક દેવેન્દ્ર રાજાવત આરોપીઓ ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઓર્ડર મેળવી પોસ્ટ અને કુરિયર મારફતે દવાની ડિલિવરી કરતા હતા. સમગ્ર કારોબાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા કોલ સેન્ટર પરથી સંચાલિત થતો હતો, જ્યારે ઉત્તર પ્રદેશના ઇટાવામાં રહેતો દેવેન્દ્રસિંહ રાજાવત આ ગેરકાયદે ધંધાનો મુખ્ય સંચાલક હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
રોજના 30 હજાર રૂપિયાથી વધુ જાહેરાત પાછળ ખર્ચ કરતાં સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ સોશિયલ મીડિયા પર જાહેરાતો માટે દરરોજ અંદાજે રૂ.30 હજાર જેટલો ખર્ચ કરતા હતા. કમ્પ્યુટર અને ડિજિટલ ડેટાના વિશ્લેષણમાં હજારો લોકોના ડેટાબેઝનો ઉપયોગ કરીને ગ્રાહકોને નિશાન બનાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
દેશભરના 5 હજારથી વધુ લોકો સાથે છેતરપિંડીની આશંકા તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવાઓના આધારે અત્યાર સુધી દેશભરમાં અંદાજે 4થી 5 હજાર લોકો આ ગેંગના શિકાર બન્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી ફરિયાદોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ વસ્ત્રાલ ખાતે 15 સીટરનું મોટું કોલ સેન્ટર ચલાવતા હતા, જ્યારે ઉત્તર પ્રદેશના બીધુના ખાતે આવી જ બીજી ટીમ નવું કોલ સેન્ટર શરૂ કરવાની ફિરાકમાં હતા.
44 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં 44 મોબાઇલ ફોન, 23 સીપીયુ, 2 લેપટોપ, 1 મોનિટર, 3 કોલર આઇડી ફોન, 3 પેન ડ્રાઇવ, 5 પાસબુક, 1 ચેક બુક, 1 ક્યૂઆર કોડ, કોલર ટ્રાન્સસ્ક્રિપ્ટ, શક્તિવર્ધક દવાના 2 બોક્સ તેમજ તન્વી એન્ટરપ્રાઇઝિસ, અસ્વાની આયુર્વેદ, ડી આર આયુર્વેદ અને આયુર્શક્તિ આયુર્વેદ નામની પેઢીઓના 5 નકલી રબર સ્ટેમ્પ સામેલ છે.
14 બેંક ખાતાઓ ને 5 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકિય વ્યવહાર પકડાયેલા આરોપીઓના વિવિધ બેંકોના 14 બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાં તપાસ દરમિયાન 5 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ બેંક ખાતાઓ વિરૂદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર અગાઉથી 6 ફરિયાદો નોંધાયેલી છે, જેમાં દિલ્હીની 1, રાજસ્થાનની 2 અને ઉત્તર પ્રદેશની 3 ફરિયાદોનો સમાવેશ થાય છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આગળની સઘન તપાસ કરી રહી છે.
લોભામણી જાહેરાતોથી સાવચેત રહો
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, સર્ચ એન્જિન, વેબસાઇટ અથવા અન્ય ઓનલાઇન માધ્યમો પર દર્શાવાતી હેલ્થકેર, શક્તિવર્ધક દવાઓ, આયુર્વેદિક દવાઓ, કોસ્મેટિક તથા બ્યુટી પ્રોડક્ટની આકર્ષક જાહેરાતોથી પ્રભાવિત થઈ પ્રોડક્ટ ખરીદતા પહેલાં તેની વિશ્વસનીયતા અને વેચનારની ઓળખની સંપૂર્ણ ચકાસણી કરવી.
- ડોક્ટરની સલાહ વગર કોઇ પણ દવા લેવી હાનીકારક થઇ શકે.
- માત્ર લોભામણી ઓફર, ભારે ડિસ્કાઉન્ટ, "100% ગેરંટી", "ચમત્કારિક પરિણામ" દર્શાવતી જાહેરાતોના આધારે ખરીદી કરવી નહીં.
- શક્ય હોય ત્યાં સુધી અધિકૃત વેબસાઇટ, અધિકૃત ડીલર અથવા વિશ્વસનીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી જ ખરીદી કરવી.
- કોઈપણ અજાણી વેબસાઇટ, સોશિયલ મીડિયા પેજ અથવા વોટ્સએપ નંબર પર પોતાની વ્યક્તિગત માહિતી, બેંક ખાતાની વિગતો, ડેબિટ/ક્રેડિટ કાર્ડની માહિતી, OTP, CVV, UPI PIN અથવા અન્ય ગોપનીય માહિતી ક્યારેય શેર કરવી નહીં.
- સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે લોકોને સોશિયલ મીડિયા પર આવતી આયુર્વેદિક દવા, સેક્સ પાવર વધારવાની દવા અથવા ચમત્કારિક પરિણામોના દાવા કરતી જાહેરાતોથી સાવચેત રહેવા અપીલ કરી છે.
- કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા તાત્કાલિક 1930 હેલ્પલાઈન નંબર અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.