સરકારી ચોકીથી માત્ર 500 મીટર દૂર ગેરકાયદે સિંહદર્શનનું 'એપીસેન્ટર':સેંકડો વીડિયોમાં કેદ થનારો 'ભગત' કેમ માનવભક્ષી બન્યો? મહિનામાં સિંહ હુમલાની 5મી ઘટના, સ્થાનિકો કેમ મૌન?
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક આવેલા લુવારીયા પાળા પર બનેલી ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ સિંહોની પ્રાઈવસીમાં માનવીય દખલગીરીનું પરિણામ છે. આ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી સિંહદર્શકો માટે ગેરકાયદે 'સિંહદર્શનનું એપીસેન્ટર' બની ગયો હતો. ચોમાસાની સીઝનમાં જ્યારે સિંહોનો મેટિંગ પિરિયડ હોય છે, ત્યારે નિયમો નેવે મૂકીને સિંહોને કનડગત કરવાના કારણે જ 21 વર્ષના સોહિલ મેમણને જીવ ગુમાવવો પડ્યો છે.
સિંહદર્શનનું ગુપ્ત 'એપીસેન્ટર': સરકારી ચોકીથી માત્ર 500 મીટર દૂર ખેલાતો ખેલ
લુવારીયા પાળાનો લાંબો વિડી વિસ્તાર આમ તો ગીર પૂર્વ ધારી ડિવિઝનની અંદર આવે છે, જેના કારણે લીલીયા રેન્જ વનવિભાગ સીધી કાર્યવાહી કરી શકતું નથી. આ કાનૂની મર્યાદાનો લાભ ઉઠાવીને દામનગર, લીલીયા અને લાઠી પંથકના અનેક લોકો દરરોજ સાંજે અહીં ગેરકાયદેસર સિંહદર્શન કરવા ઉમટી પડતા હતા. નવાઈની વાત એ છે કે, જ્યાં આ ઘટના બની તેનાથી માત્ર 500 મીટર દૂર વનવિભાગની ચોકી આવેલી છે, છતાં પ્રતિબંધિત રિઝર્વ ફોરેસ્ટમાં લોકો ખુલ્લેઆમ પ્રવેશતા હતા.
સોશિયલ મીડિયાનો હીરો 'ભગત' સિંહ, સેંકડો લોકોએ ઉતાર્યા છે લાઈવ વીડિયો
હુમલો કરનાર નર સિંહ આ સમગ્ર પંથકમાં ‘ભગત’ તરીકે અત્યંત લોકપ્રિય હતો. પોતાના કદાવર દેખાવ અને મજબૂત ટેરેટેરીને કારણે તે આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ સિંહને પ્રવેશવા દેતો નહોતો.
આ વિસ્તારના લોકો 'ભગત' સિંહથી એટલા ટેવાઈ ગયા હતા કે સેંકડો લોકોએ ભૂતકાળમાં તેની બિલકુલ નજીક જઈને 'લાઈવ વીડિયો' ઉતાર્યા છે અને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા છે.
વનવિભાગે મૃતક અને તેની સાથેના યુવકોના મોબાઈલ FSLમાં મોકલ્યા છે, કારણ કે આ યુવકોએ પણ હુમલા પહેલાં સિંહના વીડિયો ઉતાર્યા હોવાની આશંકા છે. ઘટના બાદ અન્ય બે યુવકે પોતાના મોબાઈલનો ડેટા ફોર્મેટ મારી દીધો હોવાથી શંકા વધુ દ્રઢ બની છે.
સત્ય જાણવા છતાં સ્થાનિકો કેમ નથી બોલતા?
અંટાળિયાથી લુવારીયા સુધીના સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એક ચોંકાવનારી બાબત જોવા મળી. સ્થાનિક લોકો અહીં નિયમિત થતા ગેરકાયદે સિંહદર્શનથી વાકેફ હોવા છતાં વનવિભાગની કાનૂની કાર્યવાહીના ડરે કંઈ બોલવા તૈયાર નથી. કેટલાક લોકો તો આ ગેરકાયદે પ્રવૃત્તિનો બચાવ કરવા માટે પણ દોડધામ કરી રહ્યા છે. સિંહપ્રેમીઓના મતે, સિંહ મેટિંગમાં હોય ત્યારે તેની નજીક જવું એ આત્મહત્યા સમાન છે, માટે દોષ સિંહનો નહીં પણ માણસની વિકૃતિનો છે.
સૌરાષ્ટ્રમાં સાવજો કેમ થઈ રહ્યા છે આક્રમક?
સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યપ્રાણીઓ દ્વારા માનવ મૃત્યુના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લુવારીયા પાળાની આ તાજી ઘટનાએ અગાઉ બનેલી ઘટનાઓની વણઝારમાં વધુ એક મોટો ઉમેરો છે.
વન્યજીવોની પ્રાઈવસીનો ભંગ જીવલેણ નીવડશે
વનમંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ચોમાસાનો સમય એશિયાટિક સિંહોના મેટિંગનો છે. આ સમયે સફારી અને જંગલ પ્રવેશ પર નિયંત્રણ હોય છે. ગેરકાયદેસર સિંહદર્શન ગંભીર અને જીવલેણ પરિણામો સર્જી શકે છે. વનવિભાગ આ મામલે કડક દાખલો બેસાડશે.
સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી ગીરના સિંહ અને માણસનું સહઅસ્તિત્વ રહ્યું છે, પરંતુ મેટિંગના સમયે સિંહને કનડગત કરવી એ અક્ષમ્ય છે. લોકોએ સમજવું પડશે કે આવી પ્રવૃત્તિઓ પોતાના જીવને જોખમમાં મૂકે છે.
વનવિભાગે ભારે જહેમત બાદ 'ભગત' સિંહને ટ્રેન્ક્યુલાઈઝ કરીને ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે પાંજરે તો પૂરી દીધો છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વીડિયોના મોહમાં ક્યાં સુધી યુવાનો પોતાના જીવનું અને ગીરની શાન સમાન સિંહોના અસ્તિત્વનું નિકંદન કાઢતા રહેશે?