સુરતમાં પૂરગ્રસ્ત મહિલાઓએ ભાજપ MLAને ઘેર્યા:‘ચૂંટણીમાં તો હાથ જોડી-જોડીને કહેતાં કે બહેન મને મત આપજો’; મનુ પટેલે કહ્યું-‘અમારૂ કામ સેવાનું છે, એ જ કરીએ છીએ’
સુરત શહેરમાં પૂરના કારણે લાખો લોકોની સ્થિતિ અત્યંત દયનીય અને ચિંતાજનક બની ગઈ છે. સતત ત્રણ દિવસ સુધી ખાડીના પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ભરાઈ રહેતા સ્થાનિક લોકો માટે તે માથાનો દુખાવો સાબિત થયા હતા. પૂરની આ વિકટ પરિસ્થિતિ દરમિયાન અનેક વિસ્તારો એવા હતા જ્યાં વહીવટી તંત્રના અધિકારીઓ કે સ્થાનિક નેતાઓ ડોકાયા પણ નહોતા, જેના કારણે લોકોને કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા કે મદદ મળી શકી ન હતી.
આ આકાશી અને વહીવટી સુસ્તીના કારણે જનતામાં ભારે રોષ વ્યાપેલો હતો. આ જ લોકરોષનો ભોગ સુરતના ઉધના વિસ્તારના ભાજપના ધારાસભ્ય મનુ પટેલ બન્યા છે. તેઓ જ્યારે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે વોર્ડ નંબર 28ના પાંડેસરા વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા અને પોતાની ભડાશ કાઢી હતી.
મહિલાઓએો ઉગ્ર વિરોધ સાથે કહ્યું-‘અમને કોઈ જોવા પણ આવ્યું નથી’ પાંડેસરા વિસ્તારમાં ધારાસભ્ય મનુ પટેલ પગ મૂકતાની સાથે જ સ્થાનિક મહિલાઓનું ટોળું તેમની સામે આવી ગયું હતું. મહિલાઓએ ધારાસભ્યની સામે સીધો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા ઘરો પાણીમાં ડૂબી ગયા હતા, ખાવા-પીવાના ફાંફા હતા, છતાં ત્રણ દિવસ સુધી અમને કોઈ જોવા સુધી આવ્યું નથી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, મુશ્કેલીના સમયે નેતાઓ ગાયબ થઈ જાય છે અને જનતાને હેરાન થવા માટે તેમના નસીબ પર છોડી દેવામાં આવે છે. પૂરના ગંદા પાણીની વચ્ચે દિવસો વિતાવનાર મહિલાઓનો પિત્તો આ જોઈને હજી પણ સાતમા આસમાને હતો.
ધારાસભ્યનો બચાવ: ‘7 શાળાઓમાં સ્થાનાંતરણ કરાયું હતું’ મહિલાઓનો આક્રોશ જોઈને ધારાસભ્યએ તંત્રનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પૂર પ્રભાવિત લોકોને શાંત પાડતા કહ્યું કે, જે લોકોને ગંભીર તકલીફ હતી અને જેમના ઘરોમાં વધુ પાણી હતું, તેમને લઈને તંત્રના અધિકારીઓ ગયા છે. એટલે કે સરકારી તંત્ર દ્વારા યોગ્ય સમયે રેસ્ક્યૂ કામગીરી કરીને લોકોનું સલામત સ્થળે સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પૂરગ્રસ્તો માટે કુલ સાત સરકારી અને ખાનગી શાળાઓમાં રહેવા તેમજ જમવાની સુવિધા સાથે શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે, ધારાસભ્યની આ દલીલ સામે મહિલાઓએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, સરકારી ચોપડે ભલે ગમે તે હોય, પણ અમારા વાસ્તવિક વિસ્તારમાં તો કોઈ ફરક્યું જ નથી.
‘જે લોકો સર્વેમાં લખાવશે તેમને જ વળતર મળશે’ સ્થાનિકો સાથે ચાલી રહેલી આ તૂ-તૂ મેં-મેં વચ્ચે ધારાસભ્ય મનુ પટેલે સરકારી રાહત અને વળતરનો મુદ્દો આગળ ધર્યો હતો. તેમણે ભારે અવાજે હાજર લોકોને કહ્યું કે, રાહત-વળતર માટે આજે કાં તો કાલે ગુજરાત સરકારના ઓફિશિયલ સર્વેઅર અહીં આવવાના છે. તમે બધા તેમની બાજુમાં રહીને તમારા ઘરનું સર્વે કરાવી લેજો. જો તમે સર્વે નહીં કરાવો તો સરકાર તરફથી કોઈને એક પણ રૂપિયો વળતર પેટે નહીં મળે. તમારા ઘરમાં જે પણ નુકસાન થયું છે, તે બધું જ અધિકારીઓ સમક્ષ વિગતવાર લખાવજો, નહિતર લિસ્ટમાં નામ નહીં આવે. ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું કે, જે લખાવશે, તેને જ સહાય મળશે.
મત મુદ્દે જંગ જામ્યો, મહિલાઓએ યાદ અપાવ્યા 5 વર્ષ જૂના વાયદા આ ચર્ચા દરમિયાન મામલો ત્યારે વધુ બિચક્યો જ્યારે એક મહિલાએ ધારાસભ્યને સીધી ચૂંટણીની ભાષામાં ચેતવણી આપી દીધી. મહિલાએ આક્રોશ સાથે કહ્યું કે, જો અત્યારે અમારી આટલી મોટી તકલીફ દૂર નહીં થાય, તો આગામી સમયમાં અમે અમારો કિંમતી મત કોઈને આપીશું નહીં, અમારો વોટ અમારી પાસે જ રાખશું. આ સાંભળતા જ ધારાસભ્ય મનુ પટેલ પણ નારાજ થઈ ગયા હતા અને તેમણે અકળાઈને જવાબ આપ્યો કે, અમે અહીં અત્યારે કોઈ મત લેવા માટે નથી આવ્યા! ધારાસભ્યના આ નિવેદન પર મહિલા વધુ ભડકી હતી અને કટાક્ષ કરતા કહ્યું કે, પાંચ વર્ષ પહેલા જ્યારે તમે આવ્યા હતા, ત્યારે તો હાથ જોડીને કહેતા હતા કે 'બેનજી અમને મત આપો, મને વિજયી બનાવો'... હવે તો હદ થઈ ગઈ છે!
અમારું કામ સેવાનું છે, કહી ધારાસભ્ય રવાના થયા વોટ અને જૂના વાયદાના મુદ્દે ઘેરાયેલા ધારાસભ્ય આખરે મામલો થાળે પાડવા માટે ટૂંકો આટોપ્યો હતો. તેમણે રોષે ભરાયેલા સ્થાનિકો અને મહિલાઓને છેલ્લે એટલું જ કીધું કે, જે અમારું સેવાનું કામ છે, તે અમે સતત કરતા રહેવાના છીએ અને કરતા રહીશું. આટલું કહીને, સ્થાનિકોનો વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલા જ ધારાસભ્ય અને તેમની સાથે આવેલા કાર્યકરો પાંડેસરા વિસ્તારમાંથી રવાના થઈ ગયા હતા. જોકે, ધારાસભ્યના ગયા પછી પણ સ્થાનિક લોકોમાં તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે