Loading...

આજે યોગિની એકાદશી અને શુક્રવારનો અદ્ભુત સંયોગ:લક્ષ્મી-નારાયણની આરાધના અને શુક્ર ગ્રહની પૂજાનું મહત્ત્વ, જાણો વ્રતની વિધિ

આજે (શુક્રવાર, 10 જુલાઈ) જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે, તેને યોગિની એકાદશી કહેવાય છે. એવી માન્યતા છે કે, જે ભક્ત આ વ્રત કરે છે, તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ વ્રતથી તેવું જ પુણ્ય મળે છે, જેવું પુણ્ય યજ્ઞ કરવાથી મળે છે. આ વખતે તિથિઓની વધઘટને કારણે ઘણા પંચાંગમાં 11 જુલાઈના રોજ યોગિની એકાદશી દર્શાવવામાં આવી છે, જોકે મોટાભાગના પંચાંગોમાં 10 જુલાઈના રોજ જ એકાદશી વ્રત કરવાની સલાહ આપવામાં આવી છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, યોગિની એકાદશી વ્રત અક્ષય પુણ્ય આપનારું વ્રત માનવામાં આવે છે. એવું પુણ્ય, જેની શુભ અસર જીવનભર રહે છે. સામાન્ય રીતે એકાદશી વ્રત નિરાહાર રહીને કરવામાં આવે છે એટલે કે ભક્તો દિવસભર અન્નનો ત્યાગ કરે છે, પરંતુ જે લોકો ભૂખ્યા રહી શકતા નથી, તેઓ એક સમય ફળાહાર કરી શકે છે. દૂધ અને ફળોનો રસ પણ પી શકે છે.

જે લોકો એકાદશી વ્રત કરી શકતા નથી, તેઓ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરી શકે છે, જો વિધિવત પૂજા કરી શકતા નથી, તો વિષ્ણુજીને જળ અને તુલસી ચઢાવીને પણ સામાન્ય પૂજા કરી શકાય છે.

ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા

સૌ પ્રથમ ઘરના મંદિરમાં ભગવાન ગણેશજીની પૂજા કરો. ગણેશજીને જળ અને પંચામૃત ચઢાવો. હાર-ફૂલ અને વસ્ત્રોથી શૃંગાર કરો. દૂર્વા ચઢાવો. લાડુનો ભોગ લગાવો. 'ૐ ગં ગણપતયે નમ:' મંત્રનો જાપ કરો. ધૂપ-દીપ પ્રગટાવી આરતી કરો.

ગણેશ પૂજન પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો. તેમની પ્રતિમાઓ પર જળ, દૂધ અને પંચામૃત ચઢાવો. વસ્ત્ર અને ફૂલ ચઢાવો. ચંદનથી તિલક કરો.

દેવી લક્ષ્મીને સુહાગનો સામાન જેમ કે લાલ બંગડી, ચુંદડી, કુમકુમ વગેરે ચઢાવો. વિષ્ણુજીને પીળા વસ્ત્રો પહેરાવો. અત્તર લગાવો. મીઠાઈનો ભોગ તુલસીના પાન સાથે લગાવો.

'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરતા ધૂપ-દીપ પ્રગટાવો અને આરતી કરો. પૂજામાં વિષ્ણુજીનું ધ્યાન કરતા એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લો.

એકાદશી અને શુક્રવારના યોગમાં કરો શુક્ર ગ્રહની પૂજા

જ્યોતિષમાં શુક્ર ગ્રહને શુક્રવારનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તેથી શિવલિંગ પર જળ-દૂધ ચઢાવો. ચંદનનો લેપ કરો. સફેદ ફૂલોથી શૃંગાર કરો. બીલીપત્ર, ધતૂરો, આંકડાના ફૂલ પણ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવી આરતી કરો. શુક્ર ગ્રહના મંત્ર 'ૐ શુક્રાય નમ:' નો જાપ કરો. પૂજા પછી દૂધનું દાન કરો.

એકાદશી પર કરી શકાય છે આ શુભ કાર્યો

એકાદશી પર પૂજા-પાઠ કરવાની સાથે ભજન-કીર્તન પણ કરવું જોઈએ. ભગવાનની કથાઓ પણ વાંચી-સાંભળી શકાય છે.

વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખો. ક્રોધ-નિંદાથી બચો. મનને સ્થિર અને શાંત રાખો. જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર, જળ વગેરેનું દાન કરો.

હનુમાનજી સામે દીપક પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે ઈચ્છો તો 'રામ' નામનો જાપ પણ કરી શકો છો. જો તમારી પાસે પર્યાપ્ત સમય હોય, તો સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો.

બીજા દિવસે એટલે કે દ્વાદશી (11 જુલાઈ)ના રોજ સૂર્યોદય સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો. શુદ્ધ સાત્વિક ભોજન બનાવો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. આ પછી પોતે ભોજન કરો. આ રીતે આ વ્રત પૂર્ણ થાય છે.