પપ્પા આને મારી જ નાખો, જીવતો ન રહેવો જોઈએ’:રાજકોટમાં વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવકની હત્યા, આરોપી પિતાને પુત્રોએ ફાયરિંગ માટે ઉશ્કેર્યા, 3ની ધરપકડ
રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોકાજી સર્કલ નજીક સામાન્ય બોલાચાલી અને ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પુરપાટ ઝડપે બુલેટ ચલાવતા એક સગીરને વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરવી એક યુવકને ભારે પડી ગઈ છે. બુલેટ ચાલક સગીર, તેના ભાઈ અને પિતાએ સાથે મળીને કાયદો હાથમાં લીધો હતો. આ સામાન્ય બાબતમાં સગીરના પિતાએ ગેરકાયદે હથિયાર વડે હવામાં અને ત્યારબાદ યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી હતી. આ ચકચારી ઘટનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી એક સગીર સહિત પિતા-પુત્રો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
‘પપ્પા આને મારી જ નાખો, જીવતો ના રહેવો જોઈએ’ ફરિયાદીએ પોલીસ સમક્ષ નોંધાવેલી FIRમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘટના સમયે આરોપી રણજીતસિંહ વાળાએ પહેલાં હવામાં ફાયરિંગ કરીને ભયનો માહોલ સર્જ્યો હતો અને ત્યારબાદ કૃષ્ણસિંહને ગોળી મારી દીધી હતી. હુમલા દરમિયાન રણજીતસિંહના બંને પુત્રો પોતાના પિતાને ક્રૂરતાપૂર્વક ઉશ્કેરતા હતા અને કહેતા હતા કે, ’પપ્પા આને મારી જ નાખો, હજી ગોળી મારો, આ જીવતો ના રહેવો જોઈએ’. પુત્રોની આ ઉશ્કેરણી બાદ પિતાએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
નાનામૌવા ગામતળમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ આ ચકચારી ઘટના 8 જુલાઈની રાત્રે રાજકોટના નાનામૌવા ગામતળ શેરી નંબર-4માં આવેલા ‘કર્મયોગ’ મકાન બહાર બની હતી. રાત્રે 9:30 વાગ્યા આસપાસ બુલેટ મોટરસાયકલ સ્પીડમાં ચલાવવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને સગીર વચ્ચે બોલાચાલી અને સામાન્ય ઝપાઝપી થઈ હતી, જેમાં કૃષ્ણસિંહે સગીરને લાફો મારી દીધો હતો. આ વાતની અદાવત રાખી સગીરે પહેલાં પોતાના મોટાભાઈ અને ત્યારબાદ પિતાને ફોન કરીને બોલાવ્યા હતા. પુત્રને લાફો માર્યો હોવાની જાણ થતાં જ પિતા રણજીતસિંહ વાળા પોતાના બંને પુત્રો સાથે હથિયાર લઈને કૃષ્ણસિંહના ઘરે પહોંચ્યા હતા.
માથા અને પેટના ભાગે ગોળી મારી કૃષ્ણસિંહના ઘરની બહાર પહોંચીને આરોપીઓએ હોબાળો મચાવ્યો હતો. આરોપી રણજીતસિંહે પોતાની પાસે રહેલી ગેરકાયદે પિસ્તોલ/બંદૂકમાંથી પ્રથમ હવામાં ફાયરિંગ કર્યું અને ત્યારબાદ કૃષ્ણસિંહ જાડેજાને ટાર્ગેટ કરી માથાના તેમજ પેટના ભાગે નજીકથી ગોળીઓ ધરબી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં કૃષ્ણસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એટલું જ નહીં, કૃષ્ણસિંહને બચાવવા વચ્ચે પડેલા તેમના 72 વર્ષીય મોટા બાપુ રહેન્દ્રસિંહ જાડેજા પર પણ આરોપી રણજીતસિંહે બંદૂકના કુંદા (પાછળના ભાગ) વડે માથામાં ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
સરધાર નજીકથી ત્રણેય આરોપીઓ ઝડપાયા આ ઘાતકી હત્યાના પગલે મૃતકના કૌટુંબિક ભાઈએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) (હત્યા), 118(2), 352, 3(5) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ એક્શનમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર નજીકથી નાસી છૂટેલા મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા, તેના પુત્ર રાજવીરસિંહ વાળા અને એક સગીર પુત્રને દબોચી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રણજીતસિંહ સામે અગાઉ પણ પ્રોહિબિશન (દારૂબંધી)ના બે ગુના નોંધાઈ ચૂક્યા છે.
15 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે પોલીસ પકડાયેલા આરોપીઓને શુક્રવારે, 10 જુલાઈના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરીને 15 દિવસના મજબૂત રિમાન્ડની માંગણી કરશે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓની ઓળખ પરેડ કરાવશે, ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કરવામાં આવશે. આ ઉપરાંત, હત્યામાં વપરાયેલું ગેરકાયદેસર હથિયાર આરોપીએ ક્યારે, કોની પાસેથી અને કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી આ અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં જીવ ગુમાવનાર કૃષ્ણસિંહ જાડેજા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાના એકના એક લાડકવાયા પુત્ર હતા. કૃષ્ણસિંહના અવસાનથી તેમના પાંચ વર્ષના માસૂમ દીકરા અને માત્ર દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ક્ષણિક આવેશ અને સામાન્ય ટકોરના કારણે યુવાન પુત્ર અને પરિવારના કમાતા મોભીને ગુમાવતા જાડેજા પરિવારમાં કરૂણ કલ્પાંત છવાઈ ગયો છે અને સમગ્ર રાજકોટમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.