Loading...

કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો:12 વર્ષના મયુરસિંહના જંગલમાંથી અવશેષો મળ્યા, માંડ 50 પગથિયા ચઢ્યા ત્યાં હુમલો કર્યો; 25 દિવસમાં 6 ઘટના

​જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતો હતો તે દરમિયાન સિંહ ખેંચી ગયો હતો. પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિંહના માણસ પર હુમલાની 25 દિવસમાં આ છઠ્ઠી ઘટના છે.

આજે(11 જુલાઈ) વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો ​આ અંગે બાળકના કુટુંબી કાકા ચૌહાણ અનિલકુમારસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે, તેઓ સવારે ગિરનારના પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેના કારણે ભારે દોડધામ અને ચીસાચીસ થઈ ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરતાં જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે. તેમણે વહીવટી તંત્ર સામે રોષ ઠાલવતા માંગ કરી છે કે સીડીઓ પર લાઈટની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અંધારામાં વન્યજીવ બેઠો હોય તો પણ ખ્યાલ નથી આવતો, જેથી અહીં તાત્કાલિક લાઈટની સગવડ કરવી જોઈએ અને અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસર તહેનાત કરવા જોઈએ.

માંડ 50 પગથિયાં ચડ્યા ત્યાં અચાનક સિંહ બાળકને ખેંચી ગયો ​આ ઘટનાના પ્રત્યક્ષદર્શી અને સગા સંદીપભાઈએ વિગતો આપતા કહ્યું હતું કે, તેઓ રાત્રે ગિરનારમાં રોકાયા હતા અને સવારે આશરે પોણા છ વાગ્યે 50થી 60 જેટલા યાત્રિકો સાથે ચઢવાનું શરૂ કર્યું હતું. માંડ 50 પગથિયાં ચડ્યા ત્યાં જ અચાનક સિંહે આવીને બાળક મયુરસિંહને ઉઠાવી લીધો હતો. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતો હતો, તેમ છતાં લાઈટ કે સુરક્ષાની પૂરતી સુવિધા ન હોવાથી આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.

Image Gallery