Loading...

સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા બનાસકાંઠાના પરિવારનો અકસ્માત, ચારના મોત:જૂનાગઢના મજેવડી ફોર ટ્રેક પર બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ; ચારમાંથી બેની હાલત અતિ ગંભીર

જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા બનાસકાંઠાના એક પરિવારની અર્ટિગા કાર રસ્તા પર બંધ ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત અતિ ગંભીર છે. આ સમગ્ર ઘટનામાં એક માસૂમ બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે.

અસ્થિ વિસર્જન માટે જતાં માર્ગમાં જ કાળ ભેટી ગયો મળતી વિગતો મુજબ, બનાસકાંઠા જિલ્લાનો આ પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન અર્થે અર્ટિગા કારમાં સવાર થઈને પવિત્ર યાત્રાધામ સોમનાથ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન જૂનાગઢના મજેવડી ગામ પાસે હાઈવે પર બંધ હાલતમાં ઉભેલી એક ટ્રક પાછળ તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને ચાર સભ્યોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

બે ઇજાગ્રસ્તોની હાલત નાજુક, સિવિલના ICUમાં દાખલ અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 ઇમરજન્સી સેવાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ કામગીરી હાથ ધરીને તમામ ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે મૃતકોના શબને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ હાઈવે પર બંધ પડેલી ટ્રકના ચાલકની બેદરકારી સહિતના તમામ પાસાઓ પર વધુ તપાસ શરૂ કરી છે.

Image Gallery