‘કાશ્મીરના દરેક કબ્રસ્તાનમાં પાકિસ્તાની આતંકીઓની લાશો દફન છે’:આતંકી સંગઠનનાં આકાએ જ ખોલી પોલ, કહ્યું- કાશ્મીરમાં હિંસા પાછળ PAK સરકારનો જ હાથ
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ડેપ્યુટી ચીફ શમશેર ખાને પહેલીવાર ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા અને ત્યાં જ દફનાવવામાં આવ્યા છે. PoKના મુઝફ્ફરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન શમશેરે કહ્યું, "કાશ્મીરમાં કોઈ કબ્રસ્તાન એવું નથી, જ્યાં પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદીઓની કબર ન હોય."
શમશેરનું આ નિવેદન એટલા માટે મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન હંમેશાં કહેતું રહ્યું છે કે તેમનો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ હિઝબુલના સિનિયર કમાન્ડરના આ નિવેદનને પાકિસ્તાનમાંથી આવેલા આતંકવાદીઓની હાજરીની ખુલ્લી કબૂલાત માનવામાં આવી રહી છે. ભારત લાંબા સમયથી આરોપ લગાવતું રહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદીઓને તાલીમ, હથિયાર અને ઘૂસણખોરીમાં મદદ કરે છે. પાકિસ્તાન આ આરોપોનો સતત ઇનકાર કરતું રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
વાયરલ વીડિયોમાં હિઝબુલ મુજાહિદ્દીનના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શમશેર ખાન સ્વીકારી રહ્યો છે કે પાકિસ્તાની આતંકીઓ લાંબા સમયથી કાશ્મીરમાં સક્રિય છે. મુઝફ્ફરાબાદમાં આયોજિત 'જમાત-એ-ઇસ્લામી'ની બેઠકમાં શમશેરે ખુલ્લેઆમ કબૂલ્યું છે કે પાકિસ્તાનભરમાંથી આવેલા આતંકીઓએ કાશ્મીરમાં લડાઈ લડી અને જીવ ગુમાવ્યા છે. આ નિવેદન કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાની પાકિસ્તાનની નીતિ પર એક મોટો સાર્વજનિક સ્વીકાર છે, જેણે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનના જૂઠાણાને બેનકાબ કરી દીધું છે.
શમશેર ખાને દાવો કર્યો છે કે કાશ્મીરના લોલાબ અને કુપવાડાથી લઈને કઠુઆ સુધીના દરેક શહેરમાં પાકિસ્તાની આતંકીઓની કબરો આવેલી છે અને ત્યાંનું એક પણ કબ્રસ્તાન પાકિસ્તાની આતંકીઓના અવશેષો વિના ખાલી નથી. તેના આ નિવેદનથી સાબિત થાય છે કે કાશ્મીરમાં અશાંતિ અને હિંસા ભડકાવવા માટે પાકિસ્તાન કઈ હદ સુધી આતંકીઓની સપ્લાય કરતું રહ્યું છે, જે પાકિસ્તાનની વર્તમાન શહબાઝ શરીફ સરકાર અને સેના પ્રમુખ અસીમ મુનીરની અસલી સચ્ચાઈ દુનિયા સામે લાવે છે.
લોલાબથી કઠુઆ સુધી પાકિસ્તાની આતંકી
વાયરલ વીડિયોમાં શમશેર ખાને કાશ્મીરના અનેક વિસ્તારોના નામ લીધા છે. તેણે કહ્યું કે લોલાબ અને કુપવાડાથી લઈને કઠુઆ સુધી, કાશ્મીરનું એક પણ કબ્રસ્તાન એવું નથી બચ્યું જ્યાં પાકિસ્તાની આતંકીઓનાં મૃતદેહ ન હોય. આ સાથે જ તેણે પાકિસ્તાન અને કાશ્મીર વચ્ચેના સંબંધો પર પણ વાત કરી હતી. તેણે દાવો કર્યો કે બંને ક્ષેત્રો વચ્ચેનું કનેક્શન ખૂબ મજબૂત છે અને કોઈ પણ તેમની વચ્ચે નફરત પેદા કરી શકે તેમ નથી. એવું કહેવાય રહ્યું છે કે આ વીડિયો 8 જુલાઈના રોજ મુઝફ્ફરાબાદમાં આયોજિત 'જમાત-એ-ઇસ્લામી'ની એક બેઠકનો છે, જ્યાં શમશેર ખુલ્લેઆમ આ વાતો બોલી રહ્યો હતો.
PoKમાં જનતાના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહારો
આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે PoKના સ્થાનિક લોકો પાકિસ્તાની સેના અને સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યાંના લોકો 'જોઇન્ટ અવામી એક્શન કમિટી'(JAAC)ના નેતૃત્વમાં પ્રદર્શન કરી રહ્યા છે. શમશેર ખાને JAAC પર નિશાન સાધતા આ સંગઠન પર પાકિસ્તાન સાથે 'ગદ્દારી' કરવાનો અને ભારતના હિતમાં કામ કરવાનો આરોપ લગાવ્યો છે.
આતંકવાદીઓની સંપત્તિ પર જમ્મુ-કાશ્મીર પોલીસની કડક કાર્યવાહી
બીજી તરફ, જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા મહિના પહેલા જ પોલીસે હિઝબુલ મુજાહિદ્દીનના જાહેર કરાયેલા ગુનેગાર ગુલામ મોહમ્મદ ભટ ઉર્ફે હૈદરની સ્થાવર સંપત્તિ જપ્ત કરી હતી. સોપોરના પંઝલ્લાનો રહેવાસી હૈદર હાલમાં પાકિસ્તાનથી પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યો છે. તપાસમાં બહાર આવ્યું હતું કે તે ગેરકાયદેસર શસ્ત્રો અને દારૂગોળાની ટ્રેનિંગ લેવા માટે ગેરકાયદેસર રીતે PoK ચાલ્યો ગયો હતો. ભારત સરકાર અને સુરક્ષા દળો આવા આતંકીઓની કમર તોડવામાં લાગેલા છે.
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં 'ઓપરેશન સિંદૂર'ને યાદ કર્યું
એક તરફ આતંકીઓ પોતાની બરબાદીની કહાની પોતે જ સંભળાવી રહ્યા છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતની વધતી તાકાતનું પ્રદર્શન કર્યું હતું. સિડનીમાં આયોજિત એક પ્રવાસી ભારતીય કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતીય સેનાના પરાક્રમ અને ઓપરેશન્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાના ઓસ્ટ્રેલિયાના સમકક્ષ એન્થોની અલ્બેનીઝની હાજરીમાં જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારતની સંરક્ષણ પ્રણાલીની ક્ષમતા અને વિશ્વસનીયતા જોઈ રહ્યું છે. ભારત હવે ચૂપ બેસી રહેનારો દેશ નથી, પરંતુ આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને મારતા જાણે છે.