અમદાવાદમાં દાદાની ઉંમરના વૃદ્ધનું 5 વર્ષની બાળકી સાથે ખરાબ કૃત્ય:રમાડવાના બહાને ઘરે બોલાવી અડપલાં કર્યા; ગભરાયેલી હાલતમાં માતા-ફોઈને જાણ કરી
અમદાવાદના મેઘાણીનગરમાં પાંચ વર્ષની બાળકી સાથે 73 વર્ષીય વૃદ્ધે અડપલા કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. વૃદ્ધે બાળકીને રમાડવાના બહાને ઘરે બોલાવીને ત્યારબાદ તેના ગુપ્ત ભાગે હાથ ફેરવીને છેડતી કરી હતી. બાળકીએ ઘરે જઈને માતા અને ફોઈને આપવીતી જણાવતા પરિવારે તુરંત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. મેઘાણીનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપી નંદલાલ આસવાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માડવાના બહાને ઘરે બોલાવી માસૂમ સાથે શારીરિક અડપલા કર્યા મળતી માહિતી મુજબ, મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકી 73 વર્ષીય નંદલાલ આસવાણીના ઘરે રમવા માટે ગઈ હતી. આ દરમિયાન આરોપીએ પોતાની માનસિક વિકૃતિ દર્શાવીને નાની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને તેના ગુપ્ત ભાગે હાથ ફેરવીને ખરાબ કૃત્ય આચર્યું હતું. આ અણછાજતા વર્તનથી બાળકી ગભરાઈ ગઈ હતી અને તેને શારીરિક પીડા થતાં તે પોતાના ઘરે પહોંચી હતી.
બાળકીએ માતા-ફોઈને વાત કરી, 112 પર ફોન થતાં પોલીસ દોડી બાળકીએ ઘરે જઈ પોતાની માતા અને ફોઈને નંદલાલ દ્વારા કરવામાં આવેલા ખરાબ કૃત્ય અંગે વાત કરી હતી. માસૂમ પુત્રી સાથે થયેલી આ હરકત જાણીને સ્તબ્ધ થયેલા પરિવારે તાત્કાલિક ધોરણે ઇમરજન્સી નંબર 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમના મેસેજના આધારે મેઘાણીનગર પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી ટામેટાની દુકાન ધરાવે છે, અગાઉ પણ આવું કૃત્ય કર્યાની આશંકા એસીપી રીના રાઠવાએ જણાવ્યું કે, પીડિત બાળકીની ફરિયાદના આધારે 73 વર્ષીય આરોપી નંદલાલ આસવાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે વિકૃત માનસિકતા ધરાવતો હોવાની આશંકા સાથે પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ વધુ તપાસ તેજ કરી છે.