ચોમાસાના માઠા સમાચાર, સેટેલાઈટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો ગાયબ:7 દિવસ વરસાદની કોઈ આગાહી નહીં; અત્યાર સુધીમાં 17% વરસાદની ઘટ, દરિયામાં કરંટથી માછીમારોને એલર્ટ
છેલ્લા બે દિવસમાં ગુજરાતના એકપણ જિલ્લા-તાલુકામાં વરસાદ નોંધાયો નથી. તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. શુક્રવારે રાજ્યમાં ગરમીનો પારો 37°C પાર રહ્યો, જેમાં ભાવનગર 37.2°C સાથે સૌથી ગરમ રહ્યું, જ્યારે અમદાવાદ 36.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરૂડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ સૂકું રહ્યું છે.
બીજી તરફ, ગુજરાત માટે ચોમાસાને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો ગાયબ થઈ જતાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. વરસાદની ગેરહાજરીને કારણે હવે ફરી ગરમી અકળાવશે.
રાજ્યમાં અત્યાર સુધી 17% વરસાદની ઘટ રાજ્યમાં 1 જૂનથી 11 જુલાઈ સુધીના વરસાદી આંકડા પર નજર કરીએ તો હજુ પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં હાલમાં 162.5 મિલીમીટર (6.42 ઇંચ) વરસાદ થયો છે, જે સામાન્ય રીતે 196 મિલીમીટર (7.72 ઇંચ) થવો જોઈએ, એટલે કે રાજ્યમાં અત્યાર સુધી 17% વરસાદની ઘટ વર્તાઈ રહી છે. વિસ્તાર પ્રમાણે જોઈએ તો ગુજરાત પ્રદેશમાં 225 મિમી (8.86 ઇંચ) વરસાદ સાથે 10%ની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં 114 મિમી (4.49 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 26% ઓછો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી દિવસોમાં અહીં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ખાસ કરીને 16 જુલાઈએ પણ વાદળછાયા માહોલ વચ્ચે હળવી રાહત મળી શકે છે.
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 18,54,564 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વાવેતર વિસ્તાર (85,30,803 ક્ટર)ની સામે 21.74% જેટલું નોંધાયું છે. આ વાવેતરમાં કપાસ અને મગફળી મોખરે છે. ડેમની સ્થિતિની વાત કરીએ તો, નર્મદા ડેમ 65%થી વધુ ભરાયો અને રાજ્યના 10 ડેમ હાઈ એલર્ટ પર છે.
દરિયામાં ભારે કરંટથી માછીમારી ન ચેતવણી હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આગામી સાત દિવસ દરમિયાન અમુક-અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ચોમાસાની વર્તમાન સિસ્ટમ હાલમાં શ્રીગંગાનગર અને હિસાર થઈને મણિપુર તરફ આગળ વધી રહી છે, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે આગામી બે દિવસ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર અને દરિયામાં કરંટ વધતા વધુમાં વધુ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
સાત દિવસની હવામાનની આગાહી
- 11 જુલાઈ: આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, , અરવલ્લી, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
- 12 જુલાઈ બાદ (આગામી અઠવાડિયું): ચોમાસાની ગતિ ધીમી પડતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો (જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર) સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.
રાજ્યમાં સરેરાશ 24.63% વરસાદ, નર્મદા ડેમ 65%થી વધુ ભરાયો, 10 ડેમ હાઈ એલર્ટ પર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ એકંદર વરસાદ 223.88 મિમી નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સામે 24.63% જેટલો થાય છે. રિઝિયન વાઈઝ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69% (534.92 મિમી) અને સૌરાષ્ટ્રમાં 27.61% (210.44 મિમી) વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છ રિઝિયનમાં માત્ર 1.92% થયો છે.
જળાશયોની સ્થિતિ: નર્મદા અને અન્ય મુખ્ય ડેમ
- સરદાર સરોવર (નર્મદા ડેમ): રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલમાં 219,842 mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 65.81% જેટલો થાય છે. ડેમમાં હાલ 11,841 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
- રાજ્યના અન્ય 206 જળાશયો: નર્મદા સિવાયના અન્ય ડેમોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 41.12% પાણી ઉપલબ્ધ છે. જેમાંથી 06 ડેમ સંપૂર્ણ (100%) ભરાઈ ચૂક્યા છે, જ્યારે 18 ડેમ 70%થી 100%ની વચ્ચે ભરાયા છે. મુખ્ય ડેમો પૈકી શેત્રુંજી ડેમ 100%, સુખી ડેમ 72.68% અને પાનમ ડેમ 55.97% ભરાયેલા છે.
રાજ્યના 24 જળાશયો વહીવટી તંત્રની દેખરેખ હેઠળ એલર્ટ પર
- હાઈ એલર્ટ- 10 ડેમ: પાણીની વિપુલ આવકને કારણે અમરેલીના ધાતરવડી, સૂરજવડી, ખોડીયાર, રાયડી, ધાતરવડી-2; ભાવનગરના રોજકી, માલણ, શેત્રુંજી, રંગહોળા અને તાપીનો દોસવાડા ડેમ 93%થી 100% સુધી ભરાઈ જતાં હાઈ એલર્ટ પર મૂકાયા છે.
- એલર્ટ- 04 ડેમ: સુરેન્દ્રનગરનો વાંસલ, મહીસાગરનો વણાકબોરી, જૂનાગઢનો બાંટવા-ખારો અને ગીર સોમનાથનો રાવલ ડેમ એલર્ટ પર છે.વોર્નિંગ- 10 ડેમ: રાજકોટના લાલપરી અને વેણુ-2, બોટાદનો કાલુભાર અને કચ્છના કાલાઘોઘા સહિત અન્ય 10 ડેમ માટે વોર્નિંગ જાહેર કરાઈ છે.
માર્ગ વ્યવહારની સ્થિતિ ભારે વરસાદને કારણે રાજ્યમાં પંચાયત હસ્તકના 48 રસ્તાઓ અને 1 સ્ટેટ હાઈવે સહિત કુલ 54 રસ્તાઓ વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમને પૂર્વવત કરવાની કામગીરી ચાલુ છે. GSRTCની તમામ એસ.ટી. બસ સેવાઓ હાલ સંપૂર્ણપણે સામાન્ય અને ચાલુ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21.74% વાવેતર સંપન્ન, કપાસ અને મગફળી મોખરે ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 18,54,564 હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જે રાજ્યના સામાન્ય વાવેતર વિસ્તાર (85,30,803 ક્ટર)ની સામે 21.74% જેટલું નોંધાયું છે.
રોકડીયા પાકો (કપાસ અને તેલીબિયાં) ⇒ કપાસ: રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસનું વાવેતર જોરશોરથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સામાન્ય વિસ્તારના 39.1% વિસ્તારમાં એટલે કે 9,31,926 હેક્ટરમાં કપાસનું સફળ વાવેતર થઈ ગયું છે. ⇒ મગફળી: તેલીબિયાં પાકોમાં મગફળીનું વાવેતર સૌથી આગળ છે. રાજ્યમાં કુલ 6,28,888 હેક્ટર વિસ્તારમાં મગફળી વવાઈ ચૂકી છે, જે તેના સામાન્ય વિસ્તારના 32.83% જેટલું થાય છે. ⇒ સોયાબીન: સોયાબીનનું વાવેતર 35,200 હેક્ટર (12.51%) વિસ્તારમાં પૂર્ણ થયું છે. ⇒ કુલ તેલીબિયાં પાકો: મગફળી, સોયાબીન, તલ અને એરંડા સહિતના તમામ તેલીબિયાં પાકોનું કુલ વાવેતર 6,66,029 હેક્ટર (22.72%) વિસ્તારમાં થયું છે.
અનાજ પાકો ⇒ ડાંગર: અત્યાર સુધીમાં 30,435 હેક્ટર (3.43%) વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. ⇒ મકાઈ: મકાઈનું વાવેતર 37,101 હેક્ટર (13.1%) વિસ્તારમાં નોંધાયું છે. ⇒ બાજરી અને જુવાર: બાજરીનું વાવેતર 8,534 હેક્ટર (4.76%) અને જુવારનું વાવેતર 540 હેક્ટર (3.22%) વિસ્તારમાં થયું છે. ⇒ કુલ અનાજ પાકો: રાજ્યમાં કુલ 76,683 હેક્ટર (5.56%) વિસ્તારમાં અનાજ પાકોનું વાવેતર પૂરું થયું છે.
કઠોળ અને અન્ય પાકો
- કઠોળ પાકો: તુવેર (14,097 હેક્ટર), અડદ (820 હેક્ટર, મગ (540 હેક્ટર) અને અન્ય કઠોળ મળીને કુલ 15,498 હેક્ટર (3.72%) વિસ્તારમાં કઠોળનું વાવેતર થયું છે.
- શાકભાજી: રાજ્યમાં 57,695 હેક્ટર (21.59%) વિસ્તારમાં શાકભાજીનું વાવેતર થયું છે.
- ઘાસચારો: પશુધનના ઘાસચારા માટે કુલ 1,05,757 હેક્ટર (10.38%) વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.
કૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે, ચાલુ સિઝનમાં ખેડૂતોએ કપાસ અને મગફળી જેવા રોકડીયા પાકોના વાવેતરમાં સૌથી વધુ ઉત્સાહ દાખવ્યો છે, જ્યારે અનાજ અને કઠોળનું વાવેતર હજુ પ્રારંભિક તબક્કામાં છે. આગામી દિવસોમાં વરસાદની પ્રગતિ સાથે વાવેતરમાં વધુ વધારો જોવા મળશે.