પિતા આખી રાત દીકરાને શોધતા રહ્યા, મિત્રના ફલેટમાંથી મૃતદેહ મળ્યો:વડોદરામાં ત્રણ મિત્રો સાંજે ભેગા થયા'તા, પિતાએ કહ્યું- મને આશા હતી કે હમણાં આવશે પણ ના આવ્યો
વડોદરામાં લાપતા થયેલા દીકરાને પિતા આખી રાત શોધતા રહ્યા હતા, પરંતુ અંતે મિત્રના ફ્લેટમાંથી જ આકાશનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. પુત્ર હેમખેમ ઘરે પાછો ફરશે તેવી આશા રાખતા પિતાએ દીકરાના મોતથી આભ તૂટી પડ્યું છે.
વડોદરા તાલુકાના વરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડભોઇ રોડ પર આવેલા કુબેર એક્સપ્રેસનના એફ-1, 103 ફ્લેટમાંથી 21 વર્ષીય યુવક આકાશ રવિન્દ્ર પાટીલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મકરપુરા વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીના રહેવાસી આકાશ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ત્રણેય મિત્રો આકાશને ફ્લેટમાં મૂકીને જતા રહ્યા મળતી માહિતી અનુસાર આકાશ પોતાની બાઈક માંજલપુર ઈવા મોલ પાસે મૂકીને ઇકો વાનમાં મિત્રો રાજેશ ઉર્ફે રાજ બ્રહ્માનંદ ઓઝા અને અજય પુષ્પકાંત પરમાર સાથે અજયના ફ્લેટે ગયો હતો. મિત્રોએ તેને ફ્લેટમાં મૂકીને જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ જાણ કરી તેમને પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યા હતા.
'મને આશા હતી કે મારો દીકરો હમણાં આવશે પણ ના આવ્યો' મૃતકના પિતા રવિન્દ્ર પાટીલે જણાવ્યું કે, હું મારા દીકરાને શોધવા માટે નીકળ્યો હતો, કારણ કે તે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ નોકરી પરથી ઘરે પાછો ફર્યો ન હતો. મેં તેને તેની ઓફિસમાં અને અન્ય જાણીતી જગ્યાઓ પર શોધવાનો પ્રયત્ન કર્યો પણ તે ક્યાંય ન મળ્યો.
વધુમાં કહ્યું કે, મને આશા હતી કે મારો દીકરો હમણાં આવશે, પરંતુ તે મોડી રાત સુધી ન આવતાં હું થાકીને ઘરે પરત ફર્યો અને સવારે પોલીસને જાણ કરવાનું વિચાર્યું હતું.
'મારા દીકરાની લાશ મળી છે, તે અજયનું ઘર છે' મૃતકના પિતાએ વધુમા કહ્યું કે, સવારે મેં પોલીસને જાણ કરતાં પહેલાં તેના મિત્રોને ફોન કરવાનું નક્કી કર્યું હતું. મેં રાજ નામના તેના મિત્રને ફોન કર્યો અને પૂછપરછ કરી, ત્યારે તેણે જણાવ્યું કે તેઓ રાત્રે એક ચોક્કસ જગ્યાએ ગયા હતા. ત્યારબાદ હું રાજ અને સુમિત બંનેને સાથે લઈને વાઘોડિયા તરફ ગયો પરંતુ ત્યાં લોકેશન ન મળતાં તેમણે અજયનો સંપર્ક કરવાનું કહ્યું હતું.
વધુમાં કહ્યું કે, અજયને ફોન કરતાં તે અડધા-પોણા કલાકમાં ત્યાં આવ્યો. જે ઘરમાં હાલ મારા દીકરાની લાશ મળી આવી છે, તે અજયનું જ ઘર છે. અમે પહેલાં 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી, જેમણે મારા દીકરાને મૃત જાહેર કર્યો અને ત્યારબાદ અમે પોલીસને આ અંગે જાણ કરી હતી.
મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલશે વરણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ સામે આવશે. પોલીસ આ મામલે બંને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે.