રાહુલને રીવાબાનો વળતો જવાબ:કહ્યું- ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ 1.48 ટકા, યાદ રાખજો 2027માં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં રહી જશે
રાહુલ ગાંધીએ ગુજરાતમાં મહિલા સુરક્ષાનો મુદ્દો છેડ્યો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોએ, ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે, રાજ્યમાં વધતા નશા, ગેરકાયદે દારુ અને ગુનાખોરીના કારણે તેઓના જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે.
ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ રહી છે. જ્યાં સત્ય, નૈતિક્તા અને ન્યાયની પરંપાર રહી છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદેશમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે.
રાહુલ ગાંધીના ટ્વિટના જવાબમાં રીવાબાએ જવાબ આપ્યો શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો જવાબ આપતા કહ્યું કે, ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે. જે રાષ્ટ્રીય સરેરાશ 4 ટકા કરતા અડધો છે. માતાઓ-બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબર હતું, છે અને આગળ પણ રહેશે. 2027માં ગુજરાત ચૂંટણીમાં યાદ રાખજો, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમાઈને રહી જશે.
કોણ છે રીવાબા જાડેજા? રીવાબા જાડેજા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડ રવીન્દ્ર જાડેજાના પત્ની છે. જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓને પ્રથમ ટર્મમાં જ રાજ્ય સરકારમાં મંત્રીપદ મળ્યું છે. હાલ તેઓ શિક્ષણ રાજ્યમંત્રી તરીકે કાર્યરત છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રીવાબા જાડેજા સૌથી નાની ઉંમરના અને પૈસાદાર મંત્રી છે.