Loading...

વડોદરામાં ડોક્ટર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને ઉડાવ્યો:અકસ્માત બાદ પણ નફ્ફટની જેમ હસતો રહ્યો; હોસ્પિટલ સામે જ એક્સિડન્ટ છતાં ના બચ્યો જીવ

રોડ ક્રોસ કરતા સમયે ડોક્ટર કાર ચાલકે ટક્કર મારી આ અકસ્માતમાં મૃતકના પુત્ર જયરાજ નયનભાઈ મરાઠે કે જેઓ અભ્યાસ કરે છે તેમણે ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેઓના પિતા નયનભાઈ વામનરાવ મરાઠે (ઉંમર 56 વર્ષ) શિવાભી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે સાંજના અંદાજે પોણા આઠ વાગ્યે તેઓ જીજી માતાના મંદિર સામેના રોડ પરથી માણેજા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન શ્રીજી હોસ્પિટલ સામેના રોડને ક્રોસ કરતી વખતે કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી તેમને ટક્કર મારી હતી.

માથા અને શરીરમાં ગંભીર ઈજાઓ થતાં મોત ફરિયાદમાં જણાવ્યા મુજબ, અકસ્માત બાદ મૃતકને તાત્કાલિક શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેઓને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે સારવાર દરમિયાન રાત્રે મૃત જાહેર કર્યા હતા.

કાર ચાલકની અટકાયત આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત સર્જનાર ડોક્ટર કાર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા નયનભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નશામાં ધુત કારચાલકે યુવકને ઉડાવ્યો

10 ડિસેમ્બરની મોડીરાતે આજવા રોડ શ્રીહરિ ટાઉનશિપ પાસે વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના બની હતી. કારચાલક પ્રતીક ગુલાબરાવ બોરસે બુલેટ સવાર યુવક આદર્શ સિંહને ફંગોળતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતાં પીસીઆર ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માત સર્જનાર કારચાલકની અટકાયત કરી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.